Bhuj, Mandavi, Mundra, Abdasa, Lakhpat, Nakhatrana, Rapar, Bhachau, Anjar, Gandhidham: અંજાર તાલુકાના ખંભરાના કિશોરભાઇ પરમાર સરગવાની પ્રાકૃતિક ખેતી કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યાં
પ્રાકૃતિક ખેતીના કારણે કિશોરભાઇની જમીન ફળદ્રુપ બનતા સારી ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન થઇ રહ્યું છે
ભુજ,ગુરૂવાર
અંજાર તાલુકાના ખંભરાના કિશોરભાઇ પરમાર પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી મોટા પાયે સરગવાની ખેતી કરીને ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. દેશી ગાયો સાથે પ્રાકૃતિક ખેતી કરતા કિશોરભાઇ પરમાર વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરતા કિશોરભાઇ જણાવે છે કે, આત્મા યોજના દ્વારા મળેલા ડ્રમની મદદથી હું જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છું. હું આચ્છાદન પણ કરુ છું, આત્મા યોજના સાથે જોડાયેલ છું અને રાજય અને રાજય બહાર યોજાતી વિવિધ તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ અપનાવતો થયો છું. હાલ મોટાપાયે સરગવાની ખેતી તથા ગાયો માટે ઘાસચારાની ખેતી કરી રહ્યો છું.
રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જતો હોય છે તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. જયારે પ્રાકૃતિક ખેતીમાં દવા કે ખાતર ખરીદવા ખર્ચ કરવો પડતો ન હોવાથી નફો વધુ થાય છે તેમજ પાકની ગુણવત્તા ખુબજ સરસ હોવાથી ભાવ પણ સારા મળે છે. ખર્ચ ઘટવાને કારણે આર્થિક રીતે સધ્ધર થવાય છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધે છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થાય છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે. જમીનમાં અળસિયાનું પ્રમાણ વધતા વરસાદનું પાણી જમા થતું નથી જમીનમાં ઉતરી જાય છે.


No comments:
Post a Comment